Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કાદવમાં કમળ નથી થતાં એવું થોડું છે ?
કંટકની આજુબાજુ થઈને જ ગુલાબની કોમળ પાંખડીઓ
પોતાનું પ્રસન્ન પ્રેરક સ્મિત કરતી પ્રકટી કે પ્રકાશી ઊઠે છે.

આકાશના અસીમ, અગાધ અંધકારનું અવલોકન તો કરો.
ચંદ્રની ચમક, તારાગણોની દ્યુતિ અને દમક
એ જ અંધકારના અનંતાનંત આવરણોને ભેદીને બહાર આવે છે.

ક્ષારથી મઢેલા મહોદધિમાં મહામૂલ્યવાન મોતીની સૃષ્ટિ થાય છે,
અને રણના રેતાળ પ્રદેશમાં વનસ્થલીનો આવિર્ભાવ.

ચપલાના ચંચળ ચમકાર અને ગગનના ગહન ગગડાટની વચ્ચે પણ
મેઘધનુની મધુમય મુખાકૃતિ મલકી ઊઠે છે.

અને બીજું બધું તો ઠીક પરંતુ
પ્રભાતના પ્રથમ પ્રહરમાં પ્રકટનારો પ્રભાકર પણ
મૃત્યુના મુખમાંથી બહાર નીકળનારા જીવનની જેમ જ પ્રાદુર્ભાવ પામે છે.

એ બધું તારે માટે પ્રકાશ તથા પ્રેરણાની સામગ્રીરૂપ નથી શું
કે મારે મુખ ખોલીને કંઈક કહેવું પડે?

મારી પ્રેરણા તો એમાં જ છે - પરમ રહસ્યમયી પ્રકૃતિમાં;
એ જ મારી પાઠશાળા છે.

- શ્રી યોગેશ્વરજી