Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
માતૃભૂમિનું આ મનહર મંદિર !
એ મંદિરના મનુષ્યો મારા દેવતાઓ છે,
અને એની સ્ત્રીઓ મારી દેવીઓ.
એ મંદિરની પ્રદક્ષિણા રાત ને દિવસ કર્યા કરું છું.

શ્વાસોશ્વાસમાં એને માટેનો આદરભાવ અને અનુરાગ છે તે પૂજા છે,
એની સુખાકારી ને શાંતિ માટેનાં સત્કર્મો એની સેવા.
ધમનીમાં એના ગૌરવના જે ધડકાર થાય છે એ એને માટેનો અર્ધ્ય છે :
આંખ અને અંતરમાં એની અખંડ, અનંત, અગાધ આરાધના એ એની આરતિ છે :
માતૃભૂમિનું આ મનહર મંદિર !

એ મધુમય, મંગલ, મહામૂલ્યવાન મંદિરની માવજતને માટે
કરું છું તેમ જીવનભર પરિશ્રમ કરતો રહીશ.
આ સશ્યશ્યામલા મહીને મધુમય રાખવા ને સુખમય કરવા,
એની શાંતિને શાશ્વત કરવા ને સ્વતંત્રતાને સાચવી રાખવા,
બનતું બધું જ કરી છૂટીશ.
એનો જયકાર કરીશ ને ધન્ય થઈશ.
માતૃભૂમિનું મનહર મંદિર !

- શ્રી યોગેશ્વરજી