Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
રવિમંડળમાંથી પૃથ્વીના પ્રવાસે નીકળેલા રશ્મિએ,
શાંત સરોવરના સુંદર પદ્મની પાસે પહોંચીને, કહેવા માંડ્યું :
‘જાગ્રત થા ઓ પદ્મ ! સમાધિમાંથી જાગ્રત થા !
હું તને જાગ્રત કરવા આવું છું.’
અને પછી તો એક નહિ, પરંતુ અનેકાનેક રશ્મિસમૂહ પદ્મની પાસે પહોંચી ગયા.
એમના સ્નેહસભર સંસ્પર્શથી પદ્મની પ્રસુપ્ત પાંખડીઓ પ્રકાશી ઊઠી;
આજુબાજુના વાતાવરણને પરિમલથી પરિપ્લાવિત કરી રહી.

કિરણે કહ્યું : ‘કમળ ! જો મારી કળામયતા !
જડને જીવન પ્રદાન કરવાના મારા સામર્થ્યનો વિચાર તો કર.
અમે ના હોત તો તારી તંદ્રા કેવી રીતે તૂટત ?
તું કમનીય બનીને કિલ્લોલ કેવી રીતે કરત ?
કવિ, ફિલસૂફ, સૌન્દર્યદર્શી કે રસજ્ઞને
પ્રેરણા, પ્રસન્નતા ને રસ કેવી રીતે ધરત ?
અરે એ તો ઠીક, પરંતુ આ સરોવરનો શૃંગાર પણ શી રીતે બનત ?
અમારી અસાધારણતાનો વિચાર તો કર.
અમારા વિના સમાધિના શાંત પ્રદેશમાંથી તને જાગ્રત જ કોણ કરત ?’

કમળે સ્મિત કરીને માંડ્યું :
‘મોટાં કદી પોતાની યોગ્યતાની પ્રશસ્તિ નથી કરતા.
તમે સૌ શક્તિશાળી છો એ સાચું છે,
પરંતુ હું જો ના હોત, અને પ્રસુપ્ત દશામાં ના હોત,
તો તમને તમારી શક્તિનું ભાન થાત ખરું ?
એ શક્તિના સદુપયોગને માટેનો અવસર પણ મળત કે ?
એટલે તમારે તમારા ગુણ ગાઈને બેસી રહેવું ના જોઈએ,
કિન્તુ મારો પણ આભાર માનવો જોઈએ.’

કિરણો શાંત થઈ ગયાં.
ત્યારથી કહે છે કે,
રોજ સવારે રવિમંડળનાં રશ્મિ ભારે શાંતિપૂર્વક પૃથ્વીના પ્રવાસે આવે છે
ને પોતાનું કામ કરીને કૃતાર્થ જેવાં પાછાં વળે છે !

- શ્રી યોગેશ્વરજી