Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારી પ્રત્યેક પ્રવૃત્તિ તમારી પૂજા છે, મારા પરમ પ્રભુ !
એવી સાંગોપાંગ સમજથી
મારે ફાળે આવે છે તે પ્રત્યે પ્રવૃત્તિ કર્યા કરું છું.

કોઈ પ્રવૃત્તિ મારે મન નાની નથી ને કોઈ મોટી નથી :
કોઈ મહામૂલ્યવાન નથી ને કોઈ મૂલ્ય વગરની :
કોઈ સાર્થક નથી ને કોઈ નિરર્થક :
પારસનો પવિત્ર સ્પર્શ પામીને લોઢાનું સોનું થાય છે
તેમ મારી પ્રત્યેક વૃત્તિ ને પ્રવૃત્તિ
તમારા સ્નેહાળ સુધાસભર સ્પર્શે પાવન થાય છે.

અને સૂર્યનાં કોમળ કિરણોથી પુષ્પો ને પદ્મો
પોતાની પાંખડીને પ્રસન્નતાપૂર્વક પ્રકટાવી દે છે;
તેમ તમારા કૃપાકિરણથી
મારું સર્વકાંઈ, પ્રાણનું પ્રત્યેક પરમાણું
પુલકિત કે પ્રસન્ન બનીને, પ્રત્યેક પળે પ્રકાશી ઊઠે છે.
પ્રત્યેક પળે અને હરેક સ્થળે આપણું અનુસંધાન ચાલુ રહે છે.

તમે પ્રેરો છો તે પથ પર પ્રયાણ કરું છું.
તમે પસંદ કરે છો તે પ્રવૃત્તિના પાવન પીયૂષથી તમારો અભિષેક કરું છું.
એટલા માટે જ તમારી પ્રસાદીની પ્રાપ્તિ માટે
મારે કોઈ બીજી સાધનાની આવશ્યકતા નથી રહી.
પ્રત્યેક પળ, વિપળ, વૃત્તિ, પ્રવૃત્તિ, ને સમસ્ત જીવન,
તમારી અનવરત અક્ષય આરાધના છે; પૂજા છે.

- શ્રી યોગેશ્વરજી