પર્વતની પ્રશાંત કંદરાઓમાં પલાંઠી વાળીને,
મેં વરસો સુધી અંતઃસ્થ આત્માની અનુભૂતિને માટે અનવરત પરિશ્રમ કર્યો,
ને સરિતાના શાંત તટપ્રદેશમાં વાસ કરીને,
મૌનવ્રત ધારીને,
એની સાથેના અનુસંધાનની સાધનામાં સંલગ્ન રહ્યો.
વ્રત ને તપનાં અનુષ્ઠાનોનો આધાર લેવામાં પણ બાકી ના રાખ્યું,
અને જ્ઞાનના ગ્રંથોને પણ ઉથલાવી નાખ્યા.
હવે હું ધ્યાનધારણા નથી કરતો,
અને આંખને બંધ કરીને બેસતો પણ નથી,
એથી ઘણાને નવાઈ લાગે છે.
પરંતુ એમાં નવાઈ જેવું કશું જ નથી.
સમસ્ત સંસારને હું એ પરમ મહિમાવાન પરમાત્માની પ્રતિમારૂપ જોઉં છું,
એટલે આંખ બંધ કરવાની આવશ્યકતા મારે નથી રહી.
આ જ મારી સર્વોત્તમ શાંત સ્થિતિનું રહસ્ય છે.
- શ્રી યોગેશ્વરજી

