Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા મનમાં જે ભાવ કે વિચાર ઊઠે છે
તે તમારી જ ઈચ્છાથી, અનુકંપાથી કે શક્તિથી ઊઠે છે એવો મારો વિશ્વાસ છે,
એટલે જે ભાવ કે વિચાર ઊઠે છે તે મંગલમય ને મધુર જ ઊઠે છે.

મારા હૃદયમાં જે લાગણી કે ઊર્મિનો આવિર્ભાવ થાય છે
તે તમારે લીધે જ થયા કરે છે એવી મારી અનુભૂતિ છે,
એટલે જે લાગણી કે ઊર્મિનો આવિર્ભાવ થાય છે
તે સાચો ને શ્રેયસ્કર જ થયા કરે છે.

મારી વાણીનું રઢિયાળું રસમય રૂપ ધરીને તમે જ વહન કરો છો :
કલમ દ્વારા પણ તમે જ ટપક્યા કરો છો :
મારી દૃષ્ટિ દ્વારા સંસારને સ્પર્શ કરીને સંસારમાં સુધા ભરો છો :
અને મારા હલનચલનમાં તેમજ હાલતાચાલતા રહી,
શ્વાસોશ્વાસમાં તમે જ જીવન થઈ, મારામાં સંચાર કરો છો.
એટલે એ બધું જ મધુમય, મંગલ બની ગયું છે.

બહારથી જોનારને મારા વિના કદાચ કશું ના લાગે,
પરંતુ અંદરથી અવલોકન કરનારને તમારા વિના બીજું કશું જ ના ભાસે,
એવી મારી પરિસ્થિતિ છે.

- શ્રી યોગેશ્વરજી