સંસારના સુધાસભર સ્વરૂપમાં તમે જ પ્રકટ છો એવું અનુભવીને;
આ મહાન મહીમંડળની મહેફિલમાં,
જુદા જુદા મુખમાં,
એક તમારા વિના બીજા કોઈનું યે મધુ નથી ઠલવાયું એવું માનીને;
જ્યાં રાખો છો ત્યાં રહીને તમારું દૈવી દર્શન કર્યે જઉં છું :
જે કરાવો છો તે કરતો રહીને તમારા શ્રીચરણે અનુરાગની અંજલિ ધરતો રહું છું.
આંખને એવી આદત પડી છે કે તમારા વિના કશું જોતી નથી.
કાન તમારા સંગીત સિવાય કશું સાંભળતા નથી.
મન તમારું જ મનન કરે છે,
હૃદય તમારા રાગે રંગાઈને તમારું ધ્યાન ધરે છે,
પગ તમારી પરિકમ્મા કરે છે, હાથ સેવા કરે છે,
પ્રાણ તમારી પૂજાના પ્રદીપ જેમ જલે છે,
શ્વાસમાં તમારી સુધા સરે છે;
સૌમાં એક તમારી જ આશા, એક તમારી જ ચેતના, નજરે પડે છે.
સૌના માટે જીવનનું સર્વકાંઈ અખંડ આહુતિ ધરે છે.
એ અનુભવના પરિમાણરૂપે,
જીવન કેટલું બધું કૃતાર્થ, ઉત્સવમય બને છે ?
- શ્રી યોગેશ્વરજી

