જે વીણા તારી છે તેને મારી કહીને વગાડવા માંડું છું,
આકાંક્ષા અનુસાર સૂર કાઢું છું,
ત્યારે બધોયે તાલ બગડી જાય છે.
સંગીતનો સાચો સ્વાદ ગુમાવું છું, ને ક્લેશ પામું છું.
તે જ વીણાને તારા કરુણાર્દ્ર કરમાં સોંપતાં નિષ્ફિકર બની જઉં છું.
તેનું તારી દ્વારા વાદન થતાં મંત્રમુગ્ધ બનું છું,
સંગીતના સ્વર્ગીય સ્વાદમાં કેટલીય વાર ડોલવા ને નાચવા લાગું છું :
સંપૂર્ણ સ્તબ્ધ-સમાધિસ્થ થઉં છું.
- શ્રી યોગેશ્વરજી

