હંસ પક્ષીની આગળ દૂધ અને પાણીનું મિશ્રણ મૂકવામાં આવ્યું,
પરંતુ એનો નીરક્ષીર વિવેક તો જુઓ !
પયનું પાન કરીને પાણીને એણે એક તરફ અલગ કરી દીધું.
કાગડાની આગળ મિષ્ટાન મૂકવામાં આવ્યું
પરંતુ એની સ્વભાવગત સુરુચિ તો જુઓ !
મિષ્ટાનને મૂકી દઈને એણે દૂરના દુર્ગંધિયુક્ત પદાર્થ પર પડતું મૂક્યું.
એનું જ પીંજણ અને સેવન કર્યું.
માનવા યોગ્ય માહિતી તો નથી મળતી,
પરંતુ પુરાતનકાળની કથા કહે છે કે,
લેખક અને વિવેચકનો જન્મ એ બંને પક્ષીની પુનરાવૃત્તિરૂપે થયો છે -
- ખાસ કરીને વિવેચકનો.
અવનીમાં અનેકવાર એનો અનુભવ થાય છે.
- શ્રી યોગેશ્વરજી

