આ બધા કહે છે, એને તો એના રૂપનું ગુમાન છે;
એ તારા ચરણની દાસી થાય એમ નથી.
તારાં નયન તો પેલા ચકોર જેવાં છે.
એના રૂપને જોવા માટે તે તલસે છે, ઝંખે છે;
પણ તે રૂપગર્વિતાનું હૃદય તો પથ્થર જેવું છે.
તે તો તારી તરફ એક દૃષ્ટિપાત પણ કરતી નથી !
તારું વદન ને તારા અધર પેલા કમલના દલ જેવા છે.
તેના અધર સાથે એક થઈ તેના પીયૂષને
પેલા ભ્રમરની જેમ પીવાને તે વ્યાકુળ છે, ઝંખે છે.
પણ તે સુંદરીનું હૃદય તો વજ્રના જેવું છે;
તેને તો તારા વદનની વ્યાકુળતાને જોવાની પણ ફૂરસદ નથી !
તારું હૃદય તો પેલા સાગર જેવું છે.
તેના હૃદય સાથે મળી જવા તે સતત રડી રહ્યું છે.
પણ તે માનિનીનું હૃદય તો શિલા જેવું છે.
તારા હૃદયની વ્યથાની તેને દરકાર નથી;
તારા રુદનથી તે લેશ પણ પીગળતું નથી !
આ બધાંનું કહેવું એવું છે. પણ શું કરું ?
મેં તો મારું સર્વ કાંઈ સમર્પી દીધું છે.
એના હૃદયનો તાર ભલે ના રણકે,
મારો પ્રણયતાર કદી તૂટવાનો નથી.
એના પ્રણયના સાગરનું જલબિંદુયે છો ના ટપકે,
મારાં આંસુ તો કદી ખૂટવાનાં નથી !
પરમ પ્રેમમાં એની પ્રાપ્તિ એ જ એની ધન્યતા છે !
- શ્રી યોગેશ્વરજી

