Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તું રહે છે તો સુવાસિત સુંદર ઉદ્યાનમાં,
પરંતુ પુષ્પોની પરિમલ માટે આમ તેમ વલખાં મારે છે;
તારી સ્થિતિની મને દયા આવે છે !

મદિરાના મોહક જામને તારા અધરે અડાડીને પ્રિયતમા ઊભી રહી છે,
છતાં તું તેને માટે પોકાર પાડે છે;
તારી દશા ખરે જ, દયાજનક છે.

સંગીતના શાંત સુમધુર સ્વરો વચ્ચે તારો વાસ છે;
છતાં તું મધુરતા ને શાંતિ માટે બેચેન બને છે;
તારી સ્થિતિની મને દયા આવે છે !

કાં તો તું જોઈ શકતો નથી કે સુણી શકતો નથી;
સૂંઘી શકતો નથી કે પી શકતો નથી;
નહિ તો તું શાંતિને માટે સ્વર્ગ કે મુક્તિની પ્રાર્થના ના કરત.
તારી સ્થિતિ ખરે જ, દયાજનક છે !

ને એટલે જ કહેવું પડે છે
કે માછલી પાણીમાં રહે છે છતાંય પ્યાસી છે;
કમળના વનમાં રહેવા છતાંય ભ્રમર રસહીન છે,
અરે, અભાગી છે !

- શ્રી યોગેશ્વરજી