તેઓએ કહેલું,
તારી આંખ ચંદ્રમાને અમૃત આપનારી ને હૃદયને શાંતિ દેનારી છે;
પરંતુ તેની સાથે આંખ મિલાવવાની ધૃષ્ટતા મેં કરી નથી,
એ વિચાર પણ મને થયો નથી.
તેઓએ કહેલું,
તારા અધર સ્વર્ગના સોપાનરૂપ ને અમૃતના આવાસ જેવા છે;
પરંતુ તેની સાથે અધર મિલાવવાની ધૃષ્ટતા મેં કરી નથી,
એ વિચાર પણ મને થયો નથી.
તેઓએ કહેલું,
તારું હૃદય સંગીતની દેવીનું મંગલ મંદિર છે
ને તેમાંથી જ આ સૃષ્ટિ પ્રકટી રહી છે;
પરંતુ તેની સાથે હૃદય મિલાવવાની ધૃષ્ટતા મેં કરી નથી,
એ વિચાર પણ મને થયો નથી.
તેઓએ કહેલું,
તારી સોડ શ્રાન્ત અંતરને આરામ આપનારી
ને દેહના પ્રદેશથી ઉપર ઉઠાવનારી છે;
પરંતુ તેના સહવાસની ધૃષ્ટતા મેં કરી નથી,
એ વિચાર પણ મને થયો નથી.
એ બધાને આશ્ચર્ય થયેલું.
પણ મારી પૂજા જુદી હતી.
તારી અંદર વિરાટ 'મા'નું દર્શન કરીને
મારી આંખ તારાં અંગોથી પર થઈ
ને મારી દેહલતા તારાં ચરણકમલમાં ઢળી પડી.
શું એ ધન્યતા ને શાંતિ પહેલાં હતી ?
- શ્રી યોગેશ્વરજી

