Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તારી આંખમાં જ ગંગા છે,
મનના મેલ ધોવા બીજે ક્યાં જઉં‎ ?
તું સ્નેહની મૂર્તિ છે;
સ્નેહની શોધ કરવા બીજે ક્યાં જઉં ?
તારામાં આખું જગત છે; તું આખા જગતમાં છે;
જગતમાં બીજે ક્યાં જઉં ?
તું પ્રેમની પ્યાલી છે, શાન્તિની દેવી છે;
પ્રેમ ને શાન્તિની શોધ કરવા બીજે ક્યાં જઉં ?
ખરેખર, તું એવી પ્યાલી છે,
જેનું પાન કરવાથી જન્મમરણની પાર પહોંચાય છે.

આટલો બધો પ્રેમ પ્રકટવાનું કારણ ?
છટ, એ પ્રશ્ન નકામો છે; હું એ નહિ પૂછું.
એ શબ્દો અસ્થાને છે.
સરિતા જેમ સાગર પ્રત્યે વહે છે,
તેમ હું પણ તારા હૃદય પ્રત્યે વહ્યા વિના નથી રહી શકતો.

છતાં મેં કહ્યું હતું, ને તારા પ્રેમનો પ્રવાહ જ એવો છે,
કે હૃદયની મલિનતા ત્યાં રહી શકતી નથી;
ક્ષુલ્લક વિચારો ત્યાંથી નાસી જાય છે,
ને એમાં સ્નાન કરવાથી પાવન થવાય છે.

નાક શા માટે પકડવું જોઈએ તે સમજાતું નથી.
જપ શા માટે કરવા જોઈએ તે પણ કળાતું નથી.
આંખને બંધ કરવાની પણ શી જરૂર છે ?
આંસુની આરપાર સ્મિત કરનારી તારી મૂર્તિને જોવી એ જ એક સાધના છે.

તું મારી સાધના છે; સાધનાની શોધમાં કયાં જઉં ?
તું મારી સિદ્ધિ ને મુક્તિ છે;
સિદ્ધિ ને મુક્તિને મેળવવા, તું જ કહે કે બીજે ક્યાં જઉં ?

- શ્રી યોગેશ્વરજી