Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તારાની અગણિત આંખો લઈને
તું મારી સામે જોઈ રહે છે
ને મને તારા અલૌકિક સ્નેહસંદેશા સંભળાવે છે.
મારું અંતર ઊછળી પડે છે
ને વેદનાના અપાર પારાવારમાં સ્નાન કરે છે.
તારાની અગણિત આંખોમાં તું હૃદયને ખુલ્લું કરે છે.

મધરાતની અસીમ ને નીરવ શાંતિમાંથી
તું દૂરથી કોકિલ બનીને કુઉ કરે છે,
ને તારો સાદ સાંભળીને હૃદય વ્યાકુલ બને છે.
મધરાતની નીરવ શાંતિમાં તું સાદ કરે છે.

પુષ્પોની પાંખડી પર
ને ઉષા-સંધ્યાના અસીમ સૌન્દર્યમાં
તું સાકાર થાય છે
ને મારા રાગથી રંગાયેલા હૃદયને સ્પર્શે છે.
મારો પ્રાણ તારામાં મળી ને ભળી જવા માટે વ્યાકુળ બની ઊઠે છે.
ઉષા ને સંધ્યાના સુંદર રંગોથી તું મને રંગે છે.

હૃદયને શાંતિ નથી.
ચરાચરમાંથી તું એને ખેંચે છે,
ને તારા પ્રેમ, સૌન્દર્ય, વિભૂતિ ને માધુર્યના રૂપને એ અનુભવે છે.

પણ તું મૂર્તિમંત બનીને નયનની સામે આવી જા -
એને માટે એ તલસે છે.
અથવા તો એથીયે વિશેષ તો એ
કે આ અનુરાગી અંતરને તારામાં સમાવીને તું સમાધિસ્થ થા;
એને માટે એ ઝંખે છે.
ચરાચરમાં રહેલો તારો પ્રાણ પ્રાણને પ્રેમથી રંગે છે.

- શ્રી યોગેશ્વરજી