Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ?
મને તારી આરતી ઉતારતાં, સ્તુતિ ગાતાં કે પૂજા કરતાં આવડતું નથી.
આખા જગતમાં તારું દર્શન થવાથી મારી વાચા વિરમી ગઈ છે,
ને હું જ તારી પૂજાનું ફુલ બની ગયો છું.

લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ?
તારી માળા પહેરવાનું કે તારું તિલક કરવાનું મને પસંદ નથી.
તારા નામની મોટી મોટી પ્રાર્થનાઓ પણ મારી કલ્પનામાં આવી શકતી નથી.
તારા મનમોહન રૂપની પાછળ પાગલ થઈ
ને તારા ચરણને સૂંઘવા
હું તારી પાછળ પાછળ ભમ્યા કરું છું,
ને તારી માળા બનવાના મનોરથ સેવું છું.

લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ?
મને તારો અભિષેક કરતાં
કે તારે માટે તીર્થોમાં ફરતાં આવડતું નથી.
કોઈ સાધનાની પણ મને સમજ નથી.

અંધારા ખૂણામાં બેસી રહીને, આંસુથી ઊભરાતી આંખે,
તારી મનોહર મુખાકૃતિને દિવસ ને રાત જોયા કરતાં
હું મારું જીવન પૂરું કરું છું;
જગતમાં તારી ઝાંખી કરતાં જીવન પૂરું કરું છું.

લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ?

- શ્રી યોગેશ્વરજી