આજે પણ પ્રભાતના પ્રથમ પ્રહરમાં જ
મેં મંદિરની મુલાકાત લીધી.
વિદ્વાનો ને આરાધકો અનેકની સંખ્યામાં બેઠા હતા.
શિવલિંગની આસપાસ એમના વેદપાઠ ચાલતા
ને ક્યાંક ક્યાંક મહિમ્નસ્તોત્રના શ્લોક પણ સંભળાતા.
તપસ્વીના તપના ફળ જેવા દીપક પણ પ્રકટી ચૂક્યા હતા.
બીલીપત્ર પણ મૂર્તિ પર અસંખ્યની સંખ્યામાં છવાયેલાં હતાં.
આજે પર્વદિવસ હતો,
ને એટલે જ પૂજાનો આવો વૈભવ.
બીલીપત્ર ચઢાવનારા પંડિતપ્રવરે
મારા હાથમાં બીલીપત્ર આપતાં કહ્યું,
'છૂટે હાથે ચઢાવાય તેટલાં પત્રો ચઢાવો ને પ્રભુને પ્રસન્ન કરો !
સવા લાખ પત્રોને ચઢાવવાનો મારો મનોરથ મેં હજી હમણાં જ પૂરો કર્યો.
તમે પણ ચઢાવો!'
એકાદ - બે બીલીપત્રને એમના હાથમાંથી ગ્રહણ કરતાં મેં કહ્યું,
'એકાદને સમર્પિત કરી શકું -
પ્રભુને એથી અલંકૃત કરી શકું -
તો પણ ઘણું છે.'
પંડિતને મારી વાતની સમજ ના પડી.
પણ પાસે ઊભેલા માર્મિક તત્વજ્ઞે કહ્યું, 'સાચું છે.
એમાંથી એકાદ પત્ર, એકાદ પાંખડી પણ,
પ્રભુ સ્વીકારે એવી રીતે ચઢાવાય,
એકાદ આંસુ પણ જો એ અવસ્થામાં ચઢાવાય,
તો પણ ઘણું છે, ખરેખર ઘણું છે.'
- શ્રી યોગેશ્વરજી

