Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
વર્ષાઋતુની શાંત રાત્રિમાં મારા મંદિરની બહાર પગરવ સંભળાયો.
આકાશમાં ગડગડાટ થતો હતો ને વીજળી ચમકતી હતી.
શ્રાવણની શાંત રાત્રિમાં મારા મંદિરની બહાર પગરવ સંભળાયો
બહાર આવીને જોયું તો કોઈ વનદેવી ઊભી હતી.
હાથમાં તાજી માળા ને પુષ્પો, આંખમાં આશા ને ઉમંગ ને રોમેરોમમાં રાગ.
કોઈ દેવબાળા ઊભી હતી.

અતિથિનો સત્કાર કરવા અંદર જઈને ફૂલ ને અર્ઘ્ય સાથે હું બહાર આવ્યો,
ને તેના ચરણોમાં સમર્પિત કરીને ઊભો રહ્યો.
ત્યાં તો તેણે પોતાના શરીરને મારી સેવામાં સમર્પિત કરવાની તૈયારી બતાવી
મારા શરીરે રોમાંચ થયો.
બે હાથ જોડીને આ કૃતજ્ઞતા બદલ મેં આભાર માન્યો
ને કહ્યું, 'શરીરની મારે ઈચ્છા નથી.
કોમલ કટી પર કર મૂકી વિલાસમાં રમવાની મારી ઈચ્છા નથી.'
ત્યારે તેણે પોતાના મુખને આગળ લંબાવ્યું,
હોઠને આગળ ધર્યા ને મને ફરી રોમાંચ થયો.

આંખમાં આંસુ સાથે મેં જવાબ વાળ્યો,
'દેવી, ચુંબનની મહેફિલની પણ મારી ઈચ્છા નથી.'
તેણે કહ્યું: 'શું મારા પ્રેમની તમને કદર નથી ?
પ્રેમની મારી ક્ષુલ્લક ભેટ તમને સ્વીકાર્ય નથી ?'
મેં કહ્યુ: 'પ્રેમ માટે હું ઋણી છું, પણ મારા પ્રેમનું સ્થાન ઘણું ગહન છે.'
ને મારી વાણી વિરમી ગઈ.
આંખોમાંથી ગંગા-જમના પ્રકટ થઈ.
એની આંખમાં આંખ મિલાવવાથી મને સમાધિ થઈ.
ભાન આવ્યું ત્યારે દેવી મારા ચરણોમાં પડી હતી.

ચરણની રજને માથે ચઢાવતાં તે ગદગદ થઈ ને બોલી,
'પ્રેમની દીક્ષા લેવા જ હું આવી હતી. ને તે દીક્ષા મને મળી ગઈ.'
વર્ષાઋતુની શાંત રાત્રીમાં આમ એકાએક એક અવનવી ઘટના બની ગઈ.

- શ્રી યોગેશ્વરજી