Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સાગરના તટ પરની તે સુરતાછલી સાંજે
તેં મારી આંખમાં અમૃત રેડ્યું,
ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

અંધકારભરી અમાસની રમણીય રાત્રિએ
તારક તારકમાંથી તેં સંદેશ દીધો,
ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

એકાંત ઉદ્યાનના પેલા ફોરમભર્યા ફૂલમાં પ્રકટ થઈને
તેં તારું નૂર બતાવ્યું,
ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

વૈશાખના ખરા બપોરે, ધીખતા તાપમાં,
પરસેવે પલળતા પેલા વૃદ્ધના રૂપમાં મને દર્શન દીધું,
ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

તે ઉન્મત્ત ઉષાએ, પેલી ઉષામુખી કુમારિકામાં
તેં મારા કપોલને સ્મિત સાથે સ્પર્શ કર્યો,
ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

સાગરનાં શિશુ જેવા તરંગોમાં
મારા ચરણને વીંટળાઈ વળી તેં મારી પૂજા કરી,
ત્યારથી હું તારો થયો છું; તે પહેલાંથી હું તારો હતો.

- શ્રી યોગેશ્વરજી