Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ગગનમાં ગડગડાટ થાય છે,
ને પાછાં દૂધ જેવા ધોળાં વાદળ છવાઈ જાય છે;
તેની સાથે વાત કરતું કોઈક પંખી આમતેમ ઊડયા કરે છે;
ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે;
હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

રૂપેરી પાનીવાળી વીજળી, વાદળની વચ્ચે કૂદ્યા કરે છે,
ને રમતના રસિયા એવા છૂપા તારલિયા તાળી પાડે છે;
ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે;
હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

તારું હૃદય આખરે દ્રવી ઊઠે છે
ને વરસાદની અનંત ધારામાં કરોડો કરને ફેલાવતાં,
તું મારા પર પ્રેમ દર્શાવે છે;
ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે;
હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

આ ખુલ્લા મેદાનમાં, પવનની પાંખ પર બેસીને, તું પ્રસરી રહ્યો છે,
ને ઉદ્યાનનાં ફૂલોમાં બિન્દુ બનીને બેઠો છે.
આકાશની ઉષામાં તારું હૈયું ખોલીને તું રમી રહ્યો છે;
ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે;
હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

પાંપણ પર પ્રેમનો પ્રસાર કરીને
આ આનંદી બાળકના રૂપમાં તું મારી સોડમાં સૂતો છે,
ત્યારે મને પુસ્તક બાજુમાં મૂકવા દે;
હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે

ને આ ઝરણ તો જો !
ધીરું ધીરું ગીત ગાતાં તું એમાં વહી રહ્યો છે,
મને વહેવા બોલાવી રહ્યો છે;
ત્યારે મને પુસ્તક બાજુએ મૂકવા દે;
હજારો ગ્રંથ તેં મારે માટે ઉઘાડા મૂકયા છે.

- શ્રી યોગેશ્વરજી