Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ કેકારવ ને કળા કરતા કમનીય કલાપીની પાંખમાંથી
તારો પુરાણો પરિચય આપતાં તું મારા હૈયાને હલાવી નાખે છે,
ત્યારે મને જરીક હસવું આવે છે :
તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા !

કુમુદ કરતાંયે વધારે કોમલ ને કલાત્મક કેલિ કરતી આ કુમારીની આંખમાંથી
તું મને આલિંગન માટે આમંત્રણ આપે છે
ને એના પ્રાણમાંથી પ્રેમનો પાવન પ્રવાહ બનીને -
પ્રેમની પાવડી પર પધારીને - મને પાવન કરવાનો પ્રયાસ કરે છે,
ત્યારે મને જરાક હસવું આવે છે :
તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા !

પંખીની સુમધુર સૂરાવલિમાં સ્નેહના સંદેશા કહી બતાવે છે,
ને મિત્રોની ઉમંગભરી આંખમાંથી મારી અમૃતઆંજેલી આંખમાં વહી રહે છે,
ત્યારે મને જરાક હસવું આવે છે :
તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા !

ઉપવનના આ રંગબેરંગી ફૂવારાનાં ઝીણા જલબિંદુ
તારા સ્નેહનું સનાતન સંગીત સંભળાવતાં મને સ્પર્શ કરે છે,
ને આ કુસુમોમાં કામણ કરતાં, જળની ધારામાં કિલ્લોલ કરતાં,
મારી સામે તારા શાશ્વત સ્વરૂપને પ્રકટ કરે છે,
ત્યારે મને જરાક હસવું આવે છે:
તને ખોળવા માટે મેં ડુંગરો, જંગલો ને ખેતરો ખૂંદેલા!

મારે ઝરણમાંથી જ જવાનું હતું, પણ મેં સાગરનાં સ્વપ્નાં સેવેલાં !

- શ્રી યોગેશ્વરજી