Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તારી કૃપાનું એક જ બિંદુ પડ્યું
ને મારી જન્મોજન્મની તૃષા ટળી ગઈ.

તારા પ્રકાશનું એક જ રશ્મિ છૂટ્યું
ને મારી યુગયુગની અંધારપૂંજી જલી ગઈ.

તારા સૌન્દર્યની એક જ છાયા પડી
ને મારી કુરૂપતા ઊડી ગઈ.

તારા રૂપની એક જ રજ પડી
ને મારી વિરૂપતા મટી ગઈ.

તારી દૃષ્ટિની એક જ રેખા પડી
ને મારી વિહવળતા જતી રહી.

તારી અમીદૃષ્ટિનું એક જ બિન્દુ પડ્યું
ને મારી જુગજૂની તૃષા ટળી ગઈ.

આજે મેં એ ભેદ જાણ્યો
કે તારી કૃપાના ક્ષીરસાગરમાં
સાધનાની સર્વે સરિતા સરી જાય છે,
તારી કરુણાના મહાજલમાં
ભજનજલના બધા જ ભંડાર ભળી જાય છે.

- શ્રી યોગેશ્વરજી