Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તારું સુંદર રૂપ !
કરોડો સૂર્ય કે ચંદ્રમાનો પ્રકાશ
જેના કિરણના એક સહસ્ત્રાંશ માત્રનું જ પરિણામ છે;
ને જેની છાયાના એક લક્ષાંશને લીધે જ સૃષ્ટિમાં સૌન્દર્યનું ગૌરવ છે !

અહો તારાં ચરણકમલ !
જેની ગુલાબીની છાયામાત્ર
આ ઉષાની શોભાનું ઉગમસ્થાન છે,
ને જેની ચમકતી રેખામાં આ પરિમલધારી પુષ્પોની પ્રેરણા છે;

જેની લાલીની રજમાત્રથી જ
સુંદરીઓ સુશોભિત બની છે,
ને જેની મનોહરતાની છાયા જ સૌમાં આકર્ષણ બનીને વસી રહી છે;

આવી તું મને જોતાવેંત ભાન ભૂલી ગઈ,
મારી પાછળ મુગ્ધ થઈને મને મુગ્ધ કરી ગઈ,
ને મારે માટે પ્રેમની પ્યાલી બની ગઈ,
એ આપણી કેવી અનેરી પ્રેમકથા છે !

- શ્રી યોગેશ્વરજી