Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા કરતાં તારો પ્રેમ કેટલો ઉત્કટ હતો !
અહા, મારા કરતાં તારો પ્રેમ કેટલો પ્રશસ્ય હતો !

હું તો તને ફુરસદના વખતે જ યાદ કરતો હતો.
પણ તું મારી ચરણરજમાં આળોટતો આઠે પહોર મારી પાછળ ફરતો હતો.
અહા, મારા કરતાં તારો પ્રેમ કેટલો ઉત્કટ હતો ! કેટલો પ્રશસ્ય હતો !

હું તો તને શાંતિના સમયે જ સંભારતો.
પણ તું મારે દ્વારે તારી ભિક્ષા માગતો આઠે પહોર નત મસ્તકે ઊભો રહેતો.
અહા, મારા કરતાં તારો પ્રેમ કેટલો ઉત્કટ હતો ! કેટલો પ્રશસ્ય હતો !

હું તો કાંકરાઓમાં ફરતો, ખાડામાં ને ટેકરા પરથી પડતો
તથા કાંટાથી ઘવાતો તને દોષ દેવાનું કરતો હતો.
પણ તું લોહીલુહાણ પાનીએ મારી પાછળ ભમતો હતો.
અહા, મારા કરતાં તારો પ્રેમ કેટલો ઉત્કટ હતો ! કેટલો પ્રશસ્ય હતો !

વિપત્તિનાં વાદળ આવતાં હું કોપાયમાન થવાનું કરતો હતો.
તું મારા એક જ દૃષ્ટિપાતને ખાતર રડી પડતો, વલોપાત કરતો હતો !
અહા, મારા કરતાં તારો પ્રેમ કેટલો ઉત્કટ હતો ! કેટલો પ્રશસ્ય હતો !

હું તો તારું એકાદ દર્શન જ માગતો હતો.
પણ તું મારા હૈયાનો હાર થઈને વિરાજવા માગતો હતો.
અહા, મારા કરતાં તારો પ્રેમ કેટલો ઉત્કટ હતો ! કેટલો પ્રશસ્ય હતો !

- શ્રી યોગેશ્વરજી