Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારું કાંઈ પણ ગૌરવ હોય તો
આ તારું સુમધુર, વહાલના વાદળ જેવું વદન, ને તારું મધુમય નામ,
જેનો રસ હું પેલા ચાતકની જેમ અહર્નિશ ને એકતાનતાથી પી શકું છું.

મારું કાંઈયે ગૌરવ હોય તો
આ તારો કોમળ ને કમનીય કંઠ,
જેની આસપાસ કરની કોમળ માળા કરીને
હું પેલા પ્રભુતાનાં પ્રતીક જેવાં તારાં નેત્રોમાં મારાં નેત્રો વાટે વહી શકું છું.

મારું કાંઈ પણ ગૌરવ હોય તો
આ તારી સુંવાળી, સ્નેહના સદન સરખી સુવાસિત છાતી,
જેની સાથે છાતી મિલાવીને હું મારાં તોફાન શમાવી શકું છું;
સિતારના સઘળા તારોનો સંવાદ સાધીને તારી સાથે ગૂઢાતિગૂઢ વાતો કરી શકું છું

મારું કાંઈયે ગૌરવ હોય તો
આ તારી ગૌરવભરી, દેવોને દુર્લભ ગોદ,
જેમાં એક મુગ્ધ શિશુની પેઠે આળોટીને એક ક્ષણમાં હું મુક્ત થઈ શકું છું,
સર્વ કાંઈ ભૂલી રહું છું.

મારું કાંઈ પણ ગૌરવ હોય તો
એક તું જ ને તારું બધું જ,
જેની આગળ સમસ્ત સંસારની શ્રી ને સંપત્તિને પણ હું ગૌણ ગણું છું,
જેમાં સ્વર્ગ ને સિદ્ધિ, મુક્તિ ને ભુક્તિ સૌના સારનું દર્શન કરું છું, ગૌરવ ગણું છું.

- શ્રી યોગેશ્વરજી