Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જગતના જીવો મને ધિક્કારશે,
તો પણ મને શોક નહિ થાય;
તું મને પ્રત્યેક પરિસ્થિતિમાં ને પ્રત્યેક પ્રસંગે સત્કારવા તૈયાર રહે છે.

લોકો મને પતિત ને અધમ તથા દરિદ્ર ને દુઃખી માનીને
કદાચ મારી પાસે પણ નહિ આવે, તો પણ મને શોક નહિ થાય.
મને ખાતરી છે કે તું મને સદા માટે પુણ્યશાળી માનવાનો છે,
ને મને તારી શીતળ છાતીએ લઈને શાંતિ આપવાનો છે.

ધગધગતા તાપથી મારું રક્ષણ કરવા કોઈ તૈયાર નહિ થાય,
ને આંખનાં અનંત આંસુ દેખીને કોઈને દર્દ નહિ થાય,
તો પણ મને પરવા નથી.
તારો ભાવ ભરેલો ખોળો મારે માટે સદા ખુલ્લો રહેવાનો છે,
ને એ પણ એટલું જ સાચું છે કે
મારાં આંસુ લોતાંલોતાં તું તારો પ્રેમ પ્રકટ કરવાનો છે.

ને તેથી જ હું જીવું છું તે તારે માટે જ જીવું છું.
તારી અમીભરી અલૌકિક આંખ એ જ મારી સંજીવની છે,
ને તારો ખુલ્લો ખોળો એ જ મારું જીવનધન છે.

- શ્રી યોગેશ્વરજી