Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કોઈએ જગતને ઝેર જેવું
તો કોઈએ ભયંકર ભુલભુલામણી કહ્યું છે.

કોઈએ જગતને જુઠ્ઠું જાણ્યું છે;
તો બીજા કોઈએ તેને મૃગજળ જેવું માન્યું છે.

કોઈએ તેને ક્ષણિક ને સ્વપ્ના સમું કહી બતાવ્યું છે;
તો કેટલાકે પાણીના પરપોટા જેવું.

તેમને માટે તે ગમે તેવું હોય,
મારે માટે તો સ્વર્ગ સમું સુખદ ને સુંદર થયું છે,
કેમ કે તારા મંગલ મહામિલનનું એ એક અગત્યનું સાધન બન્યું છે.
એમાં શ્વાસ લઈને જ
જીવન તારા વિશાળ સ્નેહસાગરમાં સમાઈ ગયું છે,
ને સરિતા પેઠે સ્વતંત્ર રીતે વહેવા છતાં તારું થયું છે.

મારે માટે તો તે નંદનવન બન્યું છે;
તારું સુંદર સનાતન નિવાસસ્થાન થયું છે !

- શ્રી યોગેશ્વરજી