Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ તારું મનોહર મુખ !
જગતની ઉષામુખી કુમારિકામાં
કે કમલિની જેવી સ્ત્રીઓમાં
આનો સહસ્ત્રાંશ પણ હું પામી શકત ?
એની મનોહરતામાં મસ્ત થવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે.

આ તારી અમીમય આંખ !
જગતની સુલોચના સુંદરીઓમાં
કે ચકોર જેવાં નેત્રોવાળી સ્ત્રીઓમાં
આનો કોટ્યાંશ પણ હું પામી શકત ?
એની સુધા પીવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું છે.

આ તારો મનોહર દેહ !
જગતની ઉત્તમ એવી ઉર્વશીઓમાં
કે પુષ્પની માળા જેવી મુગ્ધાઓમાં
આનો સહસ્ત્રાંશ પણ હું પામી શકત ?
એના શૃંગાર થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.

આ તારું રસાલ હૃદય !
જગતની રસભરી રમણીઓમાં
કે યૌવનગર્વિત બાળાઓમાં
આનો કોટ્યાંશ પણ હું પામી શકત ?
એમાં ભ્રમર થઈને મળવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું છે;
એમાં મારું આસન થયું છે.

ને સૌથી વધારે ધન્યતા તો એ છે
કે મેં તો તને મારું અંતર આપી દીધું છે,
પણ તેંય મને તારા સર્વસ્વનું સમર્પણ કર્યું છે !

- શ્રી યોગેશ્વરજી