મીન જલ વિના જીવી શકતું નથી
ને કોટી ઉપાયે પણ જલ વિના રહી શકતું નથી;
એવી જ મારી સ્થિતિ હો !
ઓ મારા પ્રાણ, એવી જ મારી સ્થિતિ હો !
અષાઢી મેઘને જોતાંવાર મયૂર મત્ત થઈ જાય છે,
પોતાની પૂર્ણ કલાથી પ્રેમોન્મત્ત થઈને તે નાચ્યા વિના રહી શકતો નથી;
એવી જ મારી સ્થિતિ હો !
ઓ પ્રેમપ્રાણ, એ જ મારી સ્થિતિ હો !
જલનું બિંદુ મળે કે ન મળે,
મેઘ તેના મૂક પોકારોને ના સાંભળે ને ગર્જના કરી એને અવગણે,
છતાંય પેલું તપસ્વી જેવું, કાયાને સૂકવી નાખતું ચાતક તપસ્યા છોડતું નથી,
ને બીજા જલનો લેશ પણ લેતું નથી;
એવી જ મારી સ્થિતિ હો !
ઓ પ્રેમપ્રાણ, એ જ મારી સ્થિતિ હો !
મિલનમધુર રાત્રી એક ક્ષણની જેમ વીતી જાય છે
ને વિરહનો સારોય દિન કોટિ કલ્પો જેવો લાંબો લાગે છે.....
પણ વ્યથામાં આનંદ માણતી એ આકાશ તરફ જોયા કરે છે.
કાયાની કલાંતિ ને ગરદનના દુખાવાની એને જાણ પણ પડતી નથી.
અને રખેને આ અંગારથી હું ભસ્મ થઈ જઉઁ
તો પવનની લહર મને ઊંચે લઈ જાય
ને ત્યાં મારું પ્રીતમ સાથે મિલન થઈ જાય,
તો તે મને લલાટે લગાડે ને હૃદયમાં સ્થાન આપે,
એ આશાથી ચકોરી અંગાર ખાય છે;
એવી જ મારી સ્થિતિ હો !
ઓ પ્રેમપ્રાણ, એ જ મારી સ્થિતિ હો !
સિતારના સૂર છોડતો શિકારી સામે બાણ લઈને ઊભો છે,
છતાં પણ એને ભાન નથી;
પ્રેમના મુગ્ધ પારાવારમાં તે તો મળી જવા માગે છે.
અહા, એ પ્રેમી કુરંગનો પ્રેમ !
એવી જ મારી સ્થિતિ હો !
ઓ પ્રેમપ્રાણ, એ જ મારી સ્થિતિ હો !
અહો મારા પ્રાણ,
મારે તારી આગળ ક્યાં કશું પ્રકટ કરવાનું છે ?
ચુંબક ને લોહની જેમ આપણે એકમેક પ્રત્યે આકર્ષાયા વિના રહી શક્યાં નથી
ને જલ તથા દૂધની જેમ હવે આપણે પૃથક થઈ શકનાર નથી !
- શ્રી યોગેશ્વરજી

