Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આવી વસ્તુઓ આપણા પ્રેમમાં આડે આવે છે
તેની તને ખબર નથી !
આવી વસ્તુઓ આપણા પ્રેમમાં આડી આવે છે.

મને પ્રસન્ન કરવા માટે તું ફૂલને તોડે છે ને મારે ચરણે ધરે છે;
પરંતુ મારા શરીર પરના શણગારને તોડીને મારા ચરણમાં ધરે છે
ને મને સુશોભિત ને સુવાસિત કરવાનો પ્રયાસ કરે છે,
તેની તને ખબર નથી !

તારી પૂજાની ભાવનાને સંતોષવા માટે
તું પથ્થરને કોરે છે ને મારી મૂર્તિ તૈયાર કરે છે;
પણ મારા જ મર્મસ્થાનમાં હથોડાના ઘા કરીને
તું મને ઘડવાનો પ્રયાસ કરે છે,
તેની તને ખબર નથી !

મને પ્રસન્ન કરવા માટે તું જડચેતનનો બલિ ધરે છે;
પરંતુ મને જ પ્રસન્ન કરવા તું મારી કતલ કરે છે,
તેની તને ખબર નથી !

મારા પ્રેમને ખાતર તારે બાહ્ય સાધનનો આધાર લેવો પડે છે,
ને તારી આંખમાંથી એક આંસુ પણ નથી પડતું,
ને તારા હૃદયનો એક સહસ્ત્રાંશ પણ મારે માટે બલિ બનીને જલતો નથી.
તને ખબર નથી, પણ એ આપણા પ્રેમની બાધા છે.
ને તેથી જ કહું છું કે પ્રેમનું એક એવું સ્થાન શોધી કાઢ,
જ્યાં તારા ને મારા વિના કોઈ હોય નહિ,
કહે પ્રેમ વિના કશું હોય નહિ.

- શ્રી યોગેશ્વરજી