મારામાં વાસના ને લાલસાનો લવલેશ પણ રહ્યો છે,
ત્યાં સુધી મારા પોકાર ને મારી પીડા ને પ્રાર્થનાને ગણકાર નહિ;
ને જ્યાં સુધી તારા સ્મરણમાત્રથી
આ અંતર વ્યથિત થઈને હજારો ઝરણાંરૂપે ઝરતું નથી,
ત્યાં સુધી તું આવ નહિ; એમાં જ મારું શ્રેય છે.
મારો આમૂલ પલટો થવા દે;
મને નખશિખ નેહમાં નહાવા દે;
તારે માટેનો સાચો તલસાટ ના ઊઠે ત્યાં સુધી તું આવ નહિ !
ને તારી દયાથી મને ત્યાં સુધી હીન જ રાખ,
જ્યાં સુધી મારા બધા જ મળ ધોવાયા નથી.
કેમ કે મારે તારું દર્શન કરીને જ કૃતાર્થ નથી થવું;
મારે તો તારી સાથેની તદરૂપતા પણ સાધવી છે.
- શ્રી યોગેશ્વરજી

