Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ઈશ્વર ક્યાં છે, તે પ્રશ્નનો ઉત્તર તને હજી પણ નથી મળ્યો ?
તે સમસ્યા તારે માટે શું હજી પણ અણઊકલી જ રહી છે ?

તપસ્યાથી તું થાકી ગયો હોય એમ લાગે છે;
ને લાંબા વખતના એકાંતવાસથી સંસાર પ્રત્યે
તારામાં એક જાતની ઊંડી ઉદાસીનતા આવી ગઈ છે.
અરે, ઈશ્વરને માટે આટલો બધો ઘોર પરિશ્રમ ?
આ સમસ્યા શું એટલી બધી અટપટી ને અઘરી છે
કે તેને ઉકેલવા માગે તેને માટે પણ તેનો ઉકેલ ના થઈ શકે ?

આવી જા મારા મિત્ર, હું તને ઈશ્વરનાં દર્શન કરાવી દઉં.
તારા મંદિરની તદ્દન નજીકમાં જ આ મજૂરો
તેમનાં ઓજારોથી જમીનને સરખી ને સાફ કરી રહ્યા છે.
એમની કરુણ આંખ ને એમનાં ઓજારોના ઉપરાઉપરી થઈ રહેલા અવાજમાં,
આવ, હું તને તે સૃષ્ટિસમ્રાટનું સંગીત સંભળાવું.

ને પર્વતના પથ્થરને તોડનારા આ પરિશ્રમીને પણ તેં ઓળખ્યા નથી.
પરસેવાથી લથપથ થયેલાં એમનાં અંગોમાં,
ને દીન ને નિર્દોષ નજરે નીરખી રહેલા આ ગ્રામજનોના ટોળામાં,
એ બધામાં શું તું તારા પ્રિયતમને જોઈ ને ઓળખી શકતો નથી ?

ને ક્ષુધા તેમજ તૃષાથી ટળવળતાં, રડતાં ને મરતાં આ માનવોમાં
તને તારા પ્યારા પ્રીતમનું દર્શન ના થતું હોય તો,
મારી વાતમાં વિશ્વાસ રાખજે કે, કરોડો જન્મે પણ તને તેનું દર્શન નહિ થાય !

જે તને નેહની નજરે નિહાળી રહ્યાં છે,
ને દયાની માગણી કરતાં તારી તરફ દૃષ્ટિને સ્થિર કરે છે;
જે તારી સાથે નમ્રતા ભરેલો વર્તાવ રાખે છે,
ને કોઈ આશાથી પ્રેરાઈને તારી તરફ હાથને લાંબો કરે છે;
એ પ્રત્યેક પ્રસંગે જો તું ઈશ્વરને ઓળખી શકતો ના હોય,
તો નક્કી માનજે કે તારા ઈશ્વરનો મેળાપ તને કદી પણ નહિ થઈ શકે !

આજ સુધી તેં ગમે તે સાધનમાર્ગનો આશ્રય લીધો હોય,
તારો માર્ગ હવે તારે બદલવો જ પડશે.
તારો પ્રીતમ તારે માટે તારાથી પણ વધારે આતુરતા
ને તાલાવેલીથી રાહ જોતો ઊભો રહ્યો છે.
ફક્ત એનો દેખાવ દીન, દુઃખી ને કંગાળના જેવો છે.
એટલા માટે જ તું એને હજી સુધી નથી ઓળખી શક્યો.

- શ્રી યોગેશ્વરજી