હરિ! તારા નામની ચૂડી મેં ધારી રે,
ચૂડી પહેરી બની ગઈ છું દિવાની રે.
તૂટે નહીં, ફૂટે નહીં, નંદવાય ના,
સ્વપ્ને પણ પલાળી શકે ના પાણી રે...હરિ...
અખંડ ને અમર ચૂડી છે ધારી રે,
માયા-મમતા એના થકી ગઈ હારી રે...હરિ...
ચૂડી પહેરી યમની ભીતિને મારી રે,
હરિનામે ગુરુદેવે મને તારી રે...હરિ...
હરિ! તારા રૂપે ગયાં સહુ વારી રે,
ચૂડી પહેરી તરી ગયાં નરનારી રે...હરિ...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સાધના ક્ષેત્રે સાધક અવનવા સાજ સજતો જણાય છે. સ્થૂળ દુન્યવી સાજને બદલે એ સૂક્ષ્મ સાજ સજે છે, જેને સ્થૂળ દ્રષ્ટિએ ભાગ્યે જ જોઈ શકાય છે.
પ્રભુને આરાધ્યદેવ ગણીને પ્રભુને વરવા માટે ચૂડી એક અનિવાર્ય આવશ્યક્તા ગણાય, પરન્તુ તે ચૂડી હરિનામની હોય છે.
અખંડ નામરૂપી ચૂડી પહેરવાથી સાધક સાધનામાં મસ્ત બની જાય છે, તે મસ્તી સામે માયા અને મમતા પણ હારી જાય છે.
પ્રભુનું નામ એ અમર ચૂડી છે. એ ચૂડી જો ગુરુદેવ તરફથી મળે તો સંસારસાગર સહજ રીતે તરી જવાય છે.
હરિનામની એ ચૂડી સામે મૃત્યુનો પણ ડર રહેતો નથી. અમર જીવનની પ્રાપ્તિ એ ચૂડી પહેરવાથી થઈ જાય છે એવો સૂર આ પદમાં અભિવ્યક્ત થયો છે.

