પ્રભુના મંદિરમાં આવી ચઢી હું,
પ્રભુના મંદિરમાં આવી ફરી.
પ્રેમના પુષ્પો, પ્રેમની પુજા,
શ્રદ્ધા કેરો દીપ કરી...પ્રભુના...
સદવિચારની સુગંધ ભરતાં,
મંત્ર-જપ તણી માળ ધરી...પ્રભુના...
ડગમગતી હું આવીને ઊભી,
ભક્તિભાવને દિલમાં ભરી...પ્રભુના...
સ્વીકારવાને પ્રેમભરી પૂજા
વેગે દોડી આવ્યા હરિ...પ્રભુના...
પૂજા મારી અર્પણ કરતાં,
ભવસાગરને સહેજે તરી...પ્રભુના...
પ્રભુ કહેઃ દિનરાત અહીં તો,
ભિક્ષુક આવે ટોળે વળી...પ્રભુના...
તું તો મારે કાજે આવી,
ભક્તિ તારી શ્રેષ્ઠ ઠરી...પ્રભુના...
MP3 Audio
રચના સમયના મનોભાવો
મંદિરમાં પ્રભુનાં દર્શન કરવા જનારાં પ્રભુ પાસે કંઈક ને કંઈક લૌકિક આશાએ જતાં હોય છે, ત્યારે પ્રભુ પણ શાંતિથી એ બધું તટસ્થ ભાવે જોયા કરતા હશે. એવા લૌકિક ઈચ્છાવાળાં ભક્તોના ટોળાં સાથે મેં મંદિરમાં પ્રવેશ કર્યો.
મારી પાસે કોઈ ભોગપદાર્થોનો કે કોઈ કીંમતી પૂજાનો થાળ ન હતો. ખૂબ સંકોચ સાથે, કોઈની પણ નજરે ના દેખાઈ એવો પ્રેમનો પૂજાપો, શ્રદ્ધાનો દીવડો, સદવિચારોની સુગંધિ અને મંત્રજપની પુષ્પમાળા લઈને મેં મંદિરમાં પ્રવેશ કર્યો.
સૌના કીંમતી પૂજા-થાળો જોઈને ખચકાટ અનુભવ્યો, પણ શ્રદ્ધા ને ભક્તિભાવ મનઅંતરમાં હતાં એટલે મારો સૂક્ષ્મ થાળ પ્રભુને મનોમન અર્પણ કર્યો. ત્યાં તો પ્રભુ સૌના કીંમતી પૂજાથાળોને છોડીને મારી પાસે દોડી આવ્યા. મારી સમર્પણની પૂજાનો પ્રભુએ સ્વીકાર કર્યો અને તે જ ક્ષણે પ્રભુએ પ્રસન્ન બનીને મને એમના સુમઘુર વચનામૃતનું પાન કરાવતાં કહ્યું કે - અહીં તો સૌ લૌકિક માંગણી સાથે જ મને મળવા આવે છે. મને તો કોઈ મળવા જ નથી આવતું. તારો કોઈ પણ જાતની લૌકિક માંગણી સિવાયનો પૂજાપો જોઈને મને ખૂબ આનંદ થયો.
આ ભિક્ષુકોના ટોળામાં માત્ર તું જ મને ઝંખે છે. તારી ભક્તિ જ શ્રેષ્ઠ સાબિત થઈ છે, તેથી જ હું તારી પૂજાનો, તારા જીવનનો સ્વીકાર કરું છું. પ્રભુના આ વચનામૃતના પાન પછી જીવન ધન્ય બની ગયું. સહજ રીતે ભવસાગરને તરી જવાની શ્રદ્ધા જાગી ઊઠી.

