Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવન સજાવ્યું છે સોળે શણગાર;
કરુણાની કેવી વરસી રસધાર !

જીવન-ઘડતરના પાઠ શીખવી,
સંસ્કારી કુળની લ્હાણ ધરી,
કૃપા એવી તેં કીધી અપાર...કરુણાની...

સાધન-ભજનમાં રસ ભરી,
જીવનસરિતા એ રીતે સરી,
એવી વરસાવી કૃપા તણી ધાર...કરુણાની...

સર્વ બંધનને ક્ષણમાં તોડી,
સંતોની સાથે પ્રીત જોડી,
કૃપા એવી તેં કીધી અપાર...કરુણાની...

સાચા સંતની છાંય ધરી,
કૃતકૃત્ય ધન્ય આજ કરી,
એવી વરસાવી કૃપા તણી ધાર...કરુણાની...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
જીવન પ્રભુને અર્પણ થતાં પહેલા કેવા શણગાર સજે ? પ્રભુની પરમકૃપા વરસે તો જ પ્રભુને અર્પણ થવાની ઈચ્છા પણ જાગે.

પ્રભુની કૃપાથી મને પણ સંસ્કારી કુટુંબમાં જન્મ લેવાનું સદભાગ્ય મળ્યું, જ્યાં નાનપણથી જ પ્રાર્થનાના પવિત્ર સંસ્કારો પ્રાપ્ત થયા.પ્રભુમાર્ગે આગળ વધવા કોઈ પણ જાતના વિરોધો ના નડ્યા. એ કુળમાં જીવનનું સાચું ઘડતર થયું અને એ રીતે પ્રભુમય જીવન સજાવવાનું એક મહત્વનું સાધન મળી ગયું.

જીવનપ્રવાહને પ્રભુએ કૃપા કરી પોતાના તરફ વાળ્યો. એ માર્ગે જરૂરી સાધનભજન પણ કરાવ્યાં.

અચાનક સર્વ બંધનોને પ્રભુએ મારા પોકારને લક્ષમાં લઈને તોડી નાખ્યાં, અને જાણે પ્રથમથી પ્રભુની મંગલમયી યોજનાના જ એક પવિત્ર ભાગરૂપે હોય તેમ સાચા સંતપુરપષનું સાનિધ્ય મળ્યું. પછી તો જે થવાનું હતું તે જ થયું. સંતની છત્રછાયા હેઠળ જીવન ધન્ય બની ગયું.

જીવનનો શણગાર શી રીતે પ્રભુએ સજ્યો તે આ પદમાં વાંચવાથી સમજાશે.
 

Add comment

Submit