Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારી આ જીવનવાટે,
આવીને આજે બેઠી,
જોજે જરી મુજને ભાવ ભરી... તારી આ

શ્રદ્ધા નથી જ્યાં પૂરી,
ભક્તિ વ્હાલા ! અધૂરી,
પ્રેમથી મળવા તને આવી જરી... તારી આ

તારા મંદિર-દ્વારેથી,
કોઈ ગયું ના ખાલી,
એવું જાણીને આવી હેતે, હરિ ! ... તારી આ

જપ તપ સાધન;
કાંઈ નવ જાણું રે,
તોયે પધારજે કરુણા કરી... તારી આ

મમતાળુ માત બનીને,
છત્ર પિતાનું ધરીને,
સહિયર સરખી મુજને જોજે જરી... તારી આ

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
તારી જીવનવાટ એવી કઠિન છે કે એ વાટે કોઈક જ આવે છે. કોઈ એક આવે તે રીતે હું પણ તને મળવા, તને શોધવા, તારા પ્રેમામૃતનું પાન કરવા આજે નવી જીવનવાટે આવીને બેઠી છું.

તો, હે પ્રભુ ! તું કૃપા કરીને મારા ઉપર એક ભાવભર્યો દ્રષ્ટિપાત તો કર. તું તો જાણે જ છે કે મારામાં કોઈ યોગ્યતા નથી. પ્રભુપંથનાં કોઈ લક્ષણો પણ નથી ફક્ત તારે માટે મારા દિલમાં પવિત્રપ્રેમ પ્રગટયા કરે છે. એથી જ તને મળવા હું ઉત્સુક બનીને બેઠી છું.

તારા ભક્તોના જીવન જાણ્યાં છે એ ઉપરથી એવું માનું છું કે તેં કોઈને પણ નિરાશ કર્યા નથી. તું કંઈક ને કંઈક આપતો જ રહ્યો છે. મારે તો તારી એક મધુર ભાવભરી દ્રષ્ટિ જ બસ થઈ પડશે.

તું તો કરુણાસાગર છે. તો મારી એ માંગણીને સ્વીકારજે. માત, તાત, સહિયર બનીને, હે પ્રભુ ! તું મને અપનાવી લેજે - એ જ પ્રાર્થના છે.

પ્રભુને આ રીતે વારંવાર વિનંતિ થતી રહી. તે વિનંતિના પડધા આ પદમાં જોવા મળે છે.
 

Add comment

Submit