મારા જીવનમાં હવે આવ્યા હરિ;
હું તો સહેજે ભવસાગરને તરી.
અશાંતિ ને ચિંતા હડસેલી;
આઠે પ્રહરની આનંદ-હેલી...મારા...
જન્માંતરની ભ્રમણા ભાગી,
સુરાવલી જ્યાં સુખમય જાગી...મારા...
વિદાય લીધી પાનખરે હવે,
વસંતનો રસ મધુર પામી...મારા...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સૂના જીવનમાં શ્રીહરિના આગમનથી સુમધુર સુખમય સૂરીલું સંગીત પ્રગટી શક્યું.
અશાંતિએ વિદાય લીધી. જન્મોની ભ્રમણા દૂર થઈ ગઈ. જીવનમાં પ્રભુ-પ્રવેશે આનંદ પ્રગટયો. પ્રભુના પ્રેમની પ્યાલીનું રસપાન મળ્યું. જીવન ધન્યતાને વયુઁ. પ્રભુમય જીવન અમર બની ગયું.
શ્રીહરિનું આગમન જે જીવનમાં થાય તે જીવનમાં કેવા અવનવા ફેરફારો થાય છે તેનું વર્ણન આ પદમાં થયું છે.
જીવનની સાધના પરિપૂર્ણ બની ત્યારે શ્રીહરિનું શુભાગમન શક્ય બન્યું. પ્રભુના આગમનથી નવી આશા, નવી તાજગી, નવી જ જીવન લહર અનુભવવા મળી.

