Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને સાથે રાખો (2)
શ્યામસુંદર ભગવાન !
સદા મને શાંતિ આપો....મને સાથે રાખો...

પ્રભુદ્વારે સદાકાળ પહેરો ભરું,
નિત્યસેવક બનીને સેવા કરું,
દિવ્યદર્શન પામી ધન્ય બનું...મને સાથે રાખો...

પ્રેમપૂજાનું પાવન પુષ્પ બનું,
પ્રભુચરણોની નિર્મલ ધૂલિ બનું,
મારા દેવોના દેવ એક તમને ગણું...મને સાથે રાખો...

મને પળ પણ છૂટી કરશો નહીં,
સરિતાને સમાવજો સાગર મહીં,
એવી અંતરતમથી અરજી કરું...મને સાથે રાખો...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
આ પદમાં શ્યામસુંદર ભગવાનને વિનવણી થઈ છે. ભગવાન શ્રીકૃષ્ણની સાથે જ રહેવાના સદભાગ્યને સાધક ઝંખે છે.

પ્રભુના મહાદરબારે તો ઘણા સેવકો હશે, પરંતુ મને પણ સેવક બનીને પ્રભુદ્વારે બેસવાનું સદ્ ભાગ્ય મળે તો નિત્ય નિરંતર ભગવાનનાં દિવ્યદર્શન તો થાય એવી ભાવના સાથે પ્રભુના દ્વારપાળ બનવાની ઈચ્છા વ્યક્ત થાય છે.

પ્રભુના મસ્તકે પૂજાનું પુષ્પ બનીને ચઢું, વળી પ્રભુનાં શ્રીચરણે ધન્ય બનતી ધુળની રજકણ બનવાનું ભાગ્ય પણ આ જીવનમાં મળે તો પણ ધન્ય બની શકું.

એ રીતે નિત્ય નિરંતર પ્રભુનાં દર્શન, પ્રભુનો પાવન સ્પર્શ, ને પ્રભુનો નિત્યનો સથવારો મેળવવાની ઝંખના આ પદમાં રજૂ થઈ છે.

દરરોજની પ્રાર્થનામાં પણ આ પદ મને ઉપયોગી થયું હતું.
 

Add comment

Submit