Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વર્ષ જાયે એક, બીજું સ્થાન લે એનું,
સનાતન સંસારમાં જીવન રહ્યું કેનું ?
જાય જૂનું, નવું આવે, ચક્ર ચાલે છે,
માનવી ઈચ્છે ન ઈચ્છે તોય ચાલે છે !

જુઓ વર્ષા વીતતાં આ શરદ છે આવી,
હજી હમણાં તો હશે હેમંત પણ ફાવી;
શિશિર તેમ વસંત પાછી ગ્રીષ્મની ચાવી,
ફેરવાયે નિયતિતાળે અલગ કૈં ચાવી.
ઋતુ પછી ઋતુ અન્ય આવે સ્થાન લે એનું,
સનાતન સંસારમાં અસ્તિત્વ છે કેનું ?

ઉષા સૂર્યોદય વળી મધ્યાહ્ન સાંજ પડે,
સાંજ પણ પાછી શમે છે અંધકાર વડે;
વિરહજ્વાળા, મિલનછાયા સ્થાન લે એનું,
સનાતન સંસારમાં જીવન રહ્યું કેનું ?

એટલા માટે કરાવી યાદ આવી વાત,
નિરુત્સાહ બને રડે શોકિત ન થાયે જાત;
નવા જીવનની રહે આશા સદા ભરપૂર,
ખંત શ્રદ્ધા યત્નમાં માનવ રહે ચકચૂર.

નિત્ય નૂતન સનાતન તમને જ પામે જે,
ચક્રથી છૂટી સનાતન સ્થાન પામે તે;
કાળ, ગુણ ને અવસ્થાથી પર બની જાયે,
તમારો જે બને તેને ભય નથી કાંયે.

એટલે તો મિલન માગું તમારું ઉજળું,
તમારી જ કૃપા તમારી પ્રીતમાં ઉછરું !
વર્ષ જાયે એક બીજું સ્થાન લે એનું,
સનાતન સંસારમાં જીવન રહ્યું કેનું ?

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit