Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

યમુનાસ્નાને મુક્તિ મળતી, યમ તેડું ના કરે,
એમ માનતાં યાત્રા આજે દૂરદૂરથી કરે,
... તીર્થને ભાવિક લોકો ભરે.

સામનો કરી સંકટનો સૌ પુણ્ય પામવા મળે,
શ્રદ્ધાસાથે સ્નાન કરીને મુક્તિકલ્પના કરે,
... તીર્થને ભાવિક લોકો ભરે.

કહી શકે છે કોણ લોક તે તરશે કે નહિ તરે;
કર્મ પ્રમાણે જીવન ચાલે, કર્મ ક્લેશને હરે.
... તીર્થને ભાવિક લોકો ભરે.

સત્કર્મ કરે માનવ કોઈ મૃત્યુ ખરે તો મરે,
શમી જાય સંતાપ સકળ ને બંધ બધાય ટળે.
... તીર્થને ભાવિક લોકો ભરે.

પ્રેમતણી ગંગાજમનામાં જે જન સ્નાન કરે,
રસ જે ચાખી લે છે એનો તે તો સાચે તરે.
... તીર્થને ભાવિક લોકો ભરે.

‘પાગલ’ પ્રેમ તમારો ન્યારો જેને પ્રાણ ધરે,
યમ તેની પાસે ના ફાવે, અમૃત તેને મળે.
... મને તે પ્રેમ તમારો મળે !

યમુનાસ્નાને મુક્તિ મળતી, યમ તેડું ના કરે,
એમ માનતાં યાત્રા આજે દૂરદૂરથી કરે,
... તીર્થને ભાવિક લોકો ભરે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit