Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારાં સૂનાં છે ઘરબ્હાર.
મારાં મૃતમય મંદિરદ્વાર ... મારાં.

પીંજર પણ ના પંખી તેમાં, બંધ ભલેને દ્વાર;
પ્યાલી ખાલી પડી રહી છે, ના તેમાં રસધાર ... મારાં.

શરીર છે પણ પ્રાણ દિસે ના, કિલ્લોલ કરે કાળ;
બીન બન્યું બેહાલ ખરેખર, તૂટ્યા તેના તાર ... મારાં.

દીપક છે પણ તેજ ન તેમાં, સ્નેહ છતાં ના સાર;
ફૂલમહીં ફોરમ ના લાગે, આંખ છતાં અંધાર ... મારાં.

જેમ પરમસુંદર નારીએ હોય કર્યો શૃંગાર,
નાક વિના પણ ના શોભે તે; દુઃખતણો ના પાર ... મારાં.

અથવા સરવર વારિ વિનાનું લાગે છેક અસાર;
તમારા વિના જીવન તેવું, પીડા પારાવાર ... મારાં.

પ્રેમ કરીને આજ પધારો, સોહે મારાં દ્વાર;
સત્કાર કરી ‘પાગલ’ સાચે સફળ કરે અવતાર ... મારાં.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit