Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી આશા અમર હજો !
કરમાશો ના કદિકાળે એ નષ્ટ કદી ન થજો ! ... મારી.

પુનિત પ્રેરણાપાણી એને પવન મધુર મળજો,
દિલની ક્યારીમાં ચીવટથી એનું જતન થજો ... મારી.

નવાં ફૂલથી મઘમઘતી એ જીવનને ભરજો,
મધુર કરીને અંતર મારું રસભીનું કરજો ... મારી.

અવરોધોથી અટકો ના એ, વ્યાકુળ ના બનજો;
નાહિંમત ના સ્વપ્ને બનજો, કષ્ટ કુસુમ ગણજો ... મારી.

વિપથ થકી તો દૂર રહીને સન્માર્ગે વળજો,
પર્વત સાગર વન કે રણ હો, માર્ગ સદા કરજો ... મારી.

ખૂબ સુકોમળ છતાં તાપને સ્મિત સાથે સહજો,
આઘાત બધા હજમ કરીને વિષમાં પણ વહજો ... મારી.

પરહિતભાવે ભરપૂર હજો, શુભસર્જન કરજો;
જગના મંગલની માત બની પાવનતા ધરજો ... મારી.

ત્રિતાપને ટાળીને અંતે દર્દ બધું હરજો;
‘પાગલ’ મંગલ મિલન મેળવી ઉત્તમ વર વરજો ... મારી.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit