શાંત ચિત્ત કરી જરીક કરી જુઓ તો યાદ,
આપણો સંબંધ કેવો હતો પહેલાં ગાઢ !
પૂર્વજન્મમહીં હતી શી પ્રીતની ધારા,
હૃદય કેવાં હતાં મળિયાં આપણાં પ્યારા !
રહેતાં સાથે સદા, વાતો વળી કરતાં,
પ્રેરણા જીવન નિરંતર અન્યને ધરતાં;
જિંદગી ઉત્સવ સમાન બની હતી પ્રેમે,
જરી યાદ કરી જુઓ; વિસરાય તે કેમે?
અન્યને દર્શન તમારાં કરાવેલા મેં,
આજ દર્શનકાજ મારે દર્દ ખૂબ જ છે;
તલસતો તમને સદા સહવાસને માટે,
સંકટોને સહું સ્મિતથી શીશને સાટે !
ચક્ર કાળતણું તમે આ ફેરવ્યું શાને ?
પ્રીત ભુલ્યાં પૂર્વની ? ત્યાગ્યો મને શાને ?
આંસુ ને આક્રંદમાં ડૂબી રહ્યો છું હું,
છતાં ના હાલો તમે, ઝૂરી રહ્યો છું હું !
અંત લાવો હવે તો તલસાટનો આજે,
સ્વજનને સંકટથકી ઉદ્ધારવો છાજે;
નિહાળો નેહે, હૃદયવીણા પછી વાગે,
રસમય બને પ્રાણ મારો અવનવા રાગે.
કૃપા કરતાં આજ મારી પાસ પ્રકટી લો,
કૃપાપાત્ર મને તમારો પૂરણ કરી દો;
દળદર કરી દૂર વૈભવ શાંતિ સુખ વર દો,
ખૂબખૂબ સહ્યું, હવે આરામ આપી દો.
યશસ્વી કરવા મને યશતિલક આજ કરો,
ભક્ત સાચા સંત સાથે અગ્રસ્થાન ધરો;
મોકલ્યો જે હેતુથી જગમાં તમે મુજને,
સિદ્ધ થાયે હેતુ તે, હો શરૂઆત હવે !
હવે આશીર્વાદ દો પ્રકટી તમે પ્રેમે,
આજનો અવસર ન જોજો વ્યર્થ હો કેમે;
કહે ‘પાગલ’ કરીએ લીલા અહિં એવી,
પૂર્વજન્મથકી ચઢે, પૃથ્વી ફરે તેવી.
- © શ્રી યોગેશ્વરજી