Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી સાથે જ જગમાં જે કરી લે પ્રીત,
સફળતા તે પામશે ને થશે તેની જીત.
હૃદયના રાગે તમોને રોજ જે રટશે,
ભાવથી ભજશે વળી, તેનાં તિમિર મટશે.

તમારું જે શરણ લેશે, ચરણ ઉર ધરશે,
નિજ રથતણા એક સારથિ તમોને કરશે;
તે સલામત જગતમાં નિર્ભય બની ફરશે,
કઠિન યાત્રા સરળ કરશે, વિજય ને વરશે.

નાવના નાવિક તમોને કરી લેશે જે,
પ્રલોભન ભયસ્થાનમાં પણ ટકી રે’શે તે;
વિષમ ઝંઝાવાત તેને ચલિત ના કરશે,
કાળને મારી કિનારા તરફ તે તરશે.

પુકાર કરે પામનાર અવશ્ય ઉત્તર તે,
પ્રેમ પામી ધન્ય બનશે પ્રેમ ઝંખે જે;
તમારે માટે રડે તેને હરખ મળશે,
જે વ્યથા વેઠે આજ તેની વેદના ટળશે.

જે પૂજશે તે પ્રસાદીને પામશે મધુરી,
સેવા કરી મેવા લભે જે રાખતા સબૂરી;
ઉજ્જડ વને જે સહે સંકટ બાગ કરવાને,
તે એક દિન તો પામશે ફોરમ મધુ હવાને.

જે સર્વત્યાગ કરે, ધરે નિજ ધન બધું તમને,
સર્વસ્વથી સંપન્ન થાયે તે પ્રસન્ન મને;
પૂજે તમોને પત્ર કે પુષ્પે, કણે પણ જે,
તે પરમ વૈભવ પામતા, વિખ્યાત વાર્તા તે.

‘પાગલ’ કહે વાણી મહાપુરૂષોતણી છે આ,
જોજો ન થાય અસત્ય તે, ટાળી ટળે ના હા !
વિશ્વાસથી તમને ચાહે, સત્વર મળો એને,
નિજ જન તરફ દૃષ્ટિ કરો, દો ધન્યતા તેને.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit