પ્રાણે પ્રકટેલો પ્રેમ, કેમે ટળે નહીં !
જાગ્યો પુષ્કળ છે પ્રેમ, કેમે ટળે નહીં !
રોમરોમ આજ એના રસથી ભરાયાં,
વાસનાનાં બીજ બીજાં એથી મરાયાં;
ખૂબખૂબ નિર્મળ છે હેમ, કેમે ટળે નહીં !
પ્રાણે પ્રકટેલો પ્રેમ, કેમે ટળે નહીં !
અંતરને આનંદ આપે અપાર એ,
જીવનને જાન મળે એના વિના શેં ?
એ તો તમારી છે રે’મ; કેમે ટળે નહીં !
પ્રાણે પ્રકટેલો પ્રેમ, કેમે ટળે નહીં !
કોટી ઉપાયે ટળશો ના પ્રેમ એ,
મમતા ને ભાવભર્યો મટશો ના પ્રેમ તે;
જીવે જીવનની જેમ; કેમે ટળે નહીં !
પ્રાણે પ્રકટેલો પ્રેમ, કેમે ટળે નહીં !
‘પાગલ’નું રોમરોમ પલટાવો પ્રેમ એ,
પૂર્ણતા પ્રકાશ સદા પ્રકટાવો તેમ તે;
પામે તમારામાં ક્ષેમ, કેમે ટળે નહીં !
પ્રાણે પ્રકટેલો પ્રેમ, કેમે ટળે નહીં !
- © શ્રી યોગેશ્વરજી

