કૃપાનો થાયે જયજયકાર !
મળો મને તો મંગલ થાયે, થાયે જયજયકાર ! ... કૃપાનો.
વિખ્યાત બને નામ તમારું, ઘોર ભલે કળિકાળ;
માનવ પામે ફરી પ્રેરણા, રહે ન સુખનો પાર ... કૃપાનો.
ધર્મચક્ર ચાલે સંસારે, પરાસ્ત થાયે કાળ;
શાંતિ પ્રેમ ને પ્રકાશ વ્યાપે, થાય અસુરની હાર ... કૃપાનો.
માનવતાની વાડી મ્હેંકે, મટે દ્વેષ ને ખાર;
સ્વર્ગીય વહે સંગીત બધે, જીવન થાય રસાળ ... કૃપાનો.
નવો પ્રકાશ મળે માનવને, શક્ય બને ઉદ્ધાર;
ભેદભાવના શમી જાય ને ટળી જાય અંધાર ... કૃપાનો.
કૃપાકિરણથી તન પલટાયે, થાય નવો અવતાર;
યશની કવિતા બનું તમારી, થઉં સ્નેહનો સાર ... કૃપાનો.
અજરામર હો કૃપા તમારી, પામો ન કદી હાર;
‘પાગલ’ પ્રેમીને તારી લો કરવા જયજયકાર ! ... કૃપાનો.
- © શ્રી યોગેશ્વરજી

