આજ તો આનંદ નહીં માય !
દર્શન દેશો પ્રેમ કરીને, સુખ સાચે નહીં માય ! ... આજ તો.
લોચન મારાં ધન્ય થશે, ને મટશે દિલની લ્હાય;
કૃતાર્થ બનશે નવજીવનથી કરમાયેલી કાય ... આજ તો.
ઉત્સવ કેવો થશે અનેરો, વર્ણન કેમ કરાય;
સમાધિ નીરસ બનશે ત્યારે, શંકા છે ન જરાય ... આજ તો.
દેવોને પણ દુર્લભ, જેને જ્ઞાની યોગી ચ્હાય;
રૂપ નિરખવા મળશે મુજને, વેદો જેને ગાય ... આજ તો.
પ્રકાશપુંજ પુનિત રસસાગર પરિમલવાળી કાય;
લઈ આવશો મારી પાસે કરવા કાજ સહાય ... આજ તો.
કલ્પના કરી મનડું મારું દિવ્ય રસમહીં ન્હાય;
ના જાણું તો આંખ મળ્યે શી દશા અલૌકિક થાય ! .. આજ તો.
સહસ્ત્ર ધારે પ્રેમ વહેશે, રંક થશે ને રાય;
બાળકને માતાની મળશે શાંતિપ્રદાયક છાંય. ... આજ તો.
આજ વહેલી સવારથી આ મન મારું મલકાય;
ભલે પધારો, રસને રેલો, સ્નેહ ભલે છલકાય ! ... આજ તો.
ધન્ય ઘડી જીવનની ઉગશે, હૈયું આ હરખાય;
‘પાગલ’ને અમૃતપદ જડશે, કાળ પછી નહિ ખાય. .. આજ તો.
- © શ્રી યોગેશ્વરજી

