Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભલે ગમે તે થાય, મારે દર્શન કરવું છે !

મેળવવાં છે મારે તમને, મંગલ કરવું છે;
જીવનની જડતા ટાળીને અમૃત ભરવું છે ... ભલે.

રૂપ તમારું ભરી નયનમાં બધે વિચરવું છે;
મસ્ત રહીને નિશદિન રાગે જીવન ધરવું છે ! ... ભલે.

ભોગ આપવો પડે ગમે તે, ધ્યાન ન ધરવું છે;
પ્રેમપંથનો પાંથ થયો, ના પાછું ફરવું છે ! ... ભલે.

વરસે વેદન ભલે વિપત્તિ, લેશ ન ડરવું છે;
તપ તલસાટ તાપથી અંતે પાર ઉતરવું છે ... ભલે.

ધન્ય થવું છે દર્શન પામી, મૃત્યુ તરવું છે;
સફળ જિંદગી કરવી સારી, તમને વરવું છે ... ભલે.

મિલન થશે મુજને ના શાને, જ્યારે મળવું છે;
ઝંખું છું નિશદિન, આખર તો હરખે ફરવું છે ... ભલે.

હિમાલય હલે, પૃથ્વી ડોલે, તોય ન ચળવું છે;
ધીરજ સાથે આગળ ધપતાં તમને મળવું છે ... ભલે.

કઠોર બનતાં કષ્ટ ધરો, ના તેને ગણવું છે;
‘પાગલ’ કહે ગમે તેમ કરી બાળક બનવું છે ! ... ભલે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit