Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હે વિરહના દિવસ સારા, હો પસાર હવે તમે,
જેમ વાદળ વ્યોમનાં આ; વિરહ વધુ ન હવે ગમે.
... હે વિરહના દિવસ સારા.

જેમ પાણીના પ્રવાહો ત્વરિત ગતિથી આ વહે,
ત્વરિત તેથીયે વહેજો; પ્રાણ મારો સુખ લહે.
... હે વિરહના દિવસ સારા.

દુઃખનો અનુભવ ન થાયે, લેશ ચિંતા હો નહીં;
થાવ ઉપકારક તમે તો, અંતરાય ધરો નહીં.
નાવ પાર કરે નદીથી, કાળનીર થકી તમે,
પાર કરજો તેમ મુજને, મન મરે ના કે ભમે.
... હે વિરહના દિવસ સારા.

જ્યોતિ જેમ જલી જઈને તેજની રેખા ધરો;
બીજ બનતાં શુષ્ક રણને કાલ અંકુરથી ભરો !
અંધની દૃષ્ટિ બનો ને બધિરનું સંગીત હો;
ચેતના જડની; કરી દો યોગ તેમ વિયોગનો !
ત્રુટિત તારોને મિલાવો, હૃદયનો સંગમ કરો;
સમર્પણ સઘળું કરીને મિલનની મ્હેફિલ ધરો.
... હે વિરહના દિવસ સારા.

તૃપ્તિ આપો તપ્તને, સેવા અનોખી એ કરો;
છોડી પ્રમાદ પસાર થાઓ, જિંદગી સાર્થક કરો.
મિલનની મધુરી પળે જલદી પહોંચાડો મને,
આજે તો થાઓ સફળ, પાછા ફરો ના મુજ કને.
... હે વિરહના દિવસ સારા.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit