Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કૃપા કરીને દર્શન આપો, જીવન ઉજ્જવલ થાય,
પ્રાણ પ્રસન્ન બની જાયે ને પાવન થાયે કાય.

ભ્રાંતિ લઈ ભમવાનું મારે પછી રહે ના ક્યાંય,
સંતપ્ત થઈ રહે શોધવી કોઈની ના છાંય !
ઘોર ઉછાળા મારે સાગર, પકડો મારી બાંય,
કૃપા કરીને દર્શન આપો, આશા અન્ય ન કાંય.

કૃપા કરી દો, કૃપાતણી તો રહે કામના ના,
કોઈનીયે આશા તેમજ રહે લાલસા ના;
સંત-મહંત-દેવનું શરણું પછી શોધવું કાં ?
અમૃતફલ આગળ ફળ બીજાં હિસાબમાં છે શાં ?

દીનતા ટળે, અપ્લતા મરે, જીવન મંગલ થાય,
છેક પ્રફુલ્લિત બની જાય આ સ્પર્શ લભીને કાય;
બંધન તૂટે, કર્મો છૂટે, પાશ પ્રબળ સૌ જાય,
કૃપા કરો તો નિરખી નિરખી નેન તમોને ન્હાય.

બાળક માતાવિના ફરે છે ગમગીન બની જેમ,
મટી જાય ફરવાનું મારું આ સંસારે તેમ;
મૂર્તિ મઢીને મનમાં તેમજ લભી સદાનો સાથ,
રહો તમે ત્યાં રહું નિરંતર, કરું પ્રેમની વાત !

કરું કહો તે કામ તમારું, નવસંદેશ ધરું,
દેશ તેમ દુનિયામાં વિહરી નવો પ્રકાશ ભરું;
શાંતિ પ્રેમની કરું સ્થાપના, દિવ્ય સુવાસ ધરું,
તમારો બની પછી કહો ત્યાં આનંદે વિચરું.

કૃપા કરો તો સફળ બની આ સ્વપ્ન સફળ થાયે,
મેળાપ થઈ શકે તમારો, હરખ નહીં માયે;
‘પાગલ’ કહે કૃપા વિણ મળશે શાંતિ ન કોટિ ઉપાય,
ધન્ય બને કોઈ જન ના જો કરો તમે ન સહાય.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit