મારી વ્હારે વેગે આવો !
વિલંબ ન કરો એકે ક્ષણનો,
વ્યાકુળ બનતાં આવો;
એકલદોકલ આલાપું છું,
ગીત તમે પણ ગાઓ. ... મારી.
ડગમગ થાયે જીવન મારું,
ધ્રુવપદ તેનું લાવો;
પ્યાસી થાય ફરી ન કદીયે
એવું અમૃત પાઓ. ... મારી.
નેહ નીતરે રોમરોમમાં,
રૂપ નયનમાં લાવો;
તનમનમાં અનુરાગ ભરીને
ન્હવરાવો ને ન્હાવો. ... મારી.
એકે ક્ષણ ના દૂર હઠો કે
મૂકતાં મુજને જાઓ;
પોકાર કરું તેની પ્હેલાં
સુણી સ્નેહથી ધાઓ. ... મારી.
લાજ મહારી હાથ તમારે,
લેશ ન આજ ગુમાવો;
‘પાગલ’ને અપનાવો પ્રેમે,
જીવન બનતાં આવો ! ... મારી.
- © શ્રી યોગેશ્વરજી

